રાજકોટઃ શહેરમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસની ઓળખ આપી ચાર યુવાનો પાસેથી ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જાકે યુવાનોને શંકા જતાં બંનેની પોલ ખુલ્લી પડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામકાજ સાથે સંકળાયેલા કિરીટ પીઠડીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ૧૨ જૂનની રાત્રે કિરીટ પોતાના ત્રણ મિત્રો સાથે રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા હતા ત્યારે બ્લુ કલરની ઇલેક્ટ્રિક બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા. એક આરોપીએ પોલીસનો લોગો ધરાવતું જેકેટ પહેર્યું હોવાથી શરૂઆતમાં યુવાનોને તેઓ ખરેખર પોલીસ હોવાનું લાગ્યું હતું. ત્યારબાદ બંને શખ્સોએ યુવાનોની પૂછપરછ શરૂ કરી અને પોલીસ કાર્યવાહી તેમજ મારપીટની ધમકી આપી હતી. સાથે જ પોલીસ સ્ટેશન લઈ જવાથી બચવું હોય તો ૫૦ હજાર રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.
જાકે આરોપીઓની હરકતો શંકાસ્પદ લાગતાં યુવાનોએ તેમની ઓળખ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને પોલીસનું ઓળખપત્ર માંગ્યું હતું. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાના નામ આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈ ઓળખપત્ર રજૂ કરી શક્્યા નહોતા. જેથી બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં યુનિવર્સિટી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે બંનેએ અન્ય કોઈ વ્યક્તિને પણ પોતાનો શિકાર બનાવ્યો છે કે નહીં.
રાજકોટમાં નકલી પોલીસ બની ખંડણી વસૂલવાના પ્રયાસની આ ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે પોલીસે લોકોને પણ સાવચેત રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપે તો તેની ઓળખ ચકાસવાની અપીલ કરી છે







































