સુરત શહેરમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે રોડ રિપેરિંગ અને ડ્રેનેજ સફાઈના દાવા વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં પણ આવી જ ગંભીર ઘટના બનતાં મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, પાલ રોડ પરથી નિયમિત રૂટ પર દોડી રહેલી બીઆરટીએસ બસ મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક રોડનો એક ભાગ ધસી પડ્યો હતો. પળવારમાં જ બસનો એક હિસ્સો ખાડામાં ફસાઈ ગયો હતો અને બસ એક તરફ નમી ગઈ હતી. ઘટનાના કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
બસ અચાનક જમીનમાં ધસી જતાં મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે બસ પલટી ન ખાતાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામ મુસાફરોનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો હતો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે રોડ બાંધકામમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાથી દર વર્ષે વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ ધોવાઈ જાય છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે જાહેર નાણાંનો વ્યય થાય છે અને સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પાંડેસરા વિસ્તારમાં પણ નવો બનાવેલો રોડ ધસી પડતાં મોટો ભૂવો સર્જાયો હતો. હવે પાલ વિસ્તારમાં બનેલી ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ નિર્માણની ગુણવત્તા અંગે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં રોડ મરામત, ડ્રેનેજ સફાઈ અને અન્ય કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ પ્રથમ વરસાદમાં જ આવી ઘટનાઓ સામે આવતાં આ ખર્ચની અસરકારકતા અને પારદર્શિતા અંગે ચર્ચા તેજ બની છે. હવે લોકો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.