અમદાવાદ એલસીબી ઝોન-૧ ટીમે શહેરમાં સતત ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા ગેંગનો પર્દાફાશ કર્યો છે. નવરંગપુરા વિસ્તારમાં મહિલાની સોનાની ચેન તોડી ફરાર થયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
પોલીસે શહેરભરના ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી પાલડીના નારાયણનગર વિસ્તારમાં વોચ ગોઠવી પંકજ પરમાર અને લક્ષ્મણસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ચેન સ્નેચિંગ માટે ખાસ આયોજન કરતા હતા. ગુનાને અંજામ આપતી વખતે બાઇકની નંબર પ્લેટ બદલી નાખતા તેમજ હેલ્મેટ અને રૂમાલથી પોતાની ઓળખ છુપાવતા હતા. આરોપીઓ મંદિર અને દેરાસર આસપાસ રેકી કરી સોનાની ચેન પહેરેલા લોકો પર નજર રાખતા અને તક મળતા જ ચેન તોડી ફરાર થઈ જતા હતા.
ડીસીપી ઝોન-૧ ડા. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન નવરંગપુરા, સાબરમતી, શાહીબાગ, મણિનગર, ખોખરા અને રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ ૬ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપી પંકજ પરમાર સામે અગાઉથી ચેન સ્નેચિંગ અને વાહન ચોરી સહિતના ૧૦થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો થયો છે કે ચોરી કરેલી સોનાની ચેન આરોપીઓ આશાબેન ઠક્કરને વેચતા હતા. આશાબેન ઠક્કર વિરુદ્ધ પણ અગાઉ ગુનાઓ નોંધાયેલા છે. નોંધનીય છે કે તેમના પતિનું ઘરફોડ ચોરીના કેસમાં કસ્ટડીયલ મોત થયું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. ૨.૮૧ લાખનો મુદ્દામાલ, રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી પલ્સર મોટરસાયકલ કબજે કરી છે. હાલ નવરંગપુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે પૂછપરછ ચાલુ રાખી છે.