રાજુલાના કાગવદર ગામ પાસે સબ સ્ટેશન સામે થયેલા અકસ્માતમાં એક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. રાજુલાના ખેતાગાળામાં રહેતા દિલાભાઈ કલ્યાણભાઈ સોલંકી (ઉ.વ. ૫૫)એ જાહેર કર્યા મુજબ, મરણજનાર રામભાઈ દિલાભાઈ સોલંકી તથા સાહેદ કરણભાઈ હકાભાઈ સોલંકી બંને મોટરસાયકલ લઈને ઉનાથી રાજુલા તરફ જતા હતા. તે દરમિયાન રામભાઈએ પોતાના હવાલાવાળી મોટરસાયકલ પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી નેશનલ હાઈવે રોડ ઉપર પસાર થતી ગાય સાથે ભટકાવી હતી. આ ગંભીર અકસ્માતમાં ગાયનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ સવાર સાહેદ કરણભાઈને માથાના તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં રામભાઈને છાતીના અને જમણા હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. આર. ગળચર વધુ તપાસ કરી રહ્યા છે.