મોટા કણકોટ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ મેવાડાએ ઈમાનદારી, સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. તા. ૨૧-૦૬-૨૦૨૬ના રોજ તેઓ અમરેલીથી મોટા કણકોટ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં અગત્યના દસ્તાવેજો અને રોકડ રકમથી ભરેલું એક પર્સ મળ્યું હતું. પર્સના મૂળ માલિકને શોધવા માટે તેમણે મોટા કણકોટ ગામના સોશિયલ મીડિયા ગ્રુપમાં માહિતી પ્રસિધ્ધ કરી હતી. ત્યારબાદ તા. ૨૨-૦૬-૨૦૨૬ના રોજ શાળાની પ્રાર્થના સભામાં આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની હાજરીમાં પર્સ તેના માલિક જયસુખભાઈ વલ્લભભાઈ કાકડિયાને પરત સોંપવામાં આવ્યું. પર્સની તમામ વસ્તુઓ અને રકમ યથાવત મળતાં જયસુખભાઈએ મનસુખભાઈ મેવાડા તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.