શહેરના ભેસ્તાન વિસ્તારમાં આજે હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ડમ્પરચાલકે મોપેડને અડફેટે લેતા ૨૨ વર્ષીય મહિલા અને તેની માત્ર ત્રણ વર્ષની માસૂમ દીકરીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાની ઓળખ રુકશાન ઇમરાન સૈયદ તરીકે થઈ છે. રુકશાન પોતાની ત્રણ વર્ષની દીકરી જૈનમ સાથે તહેવાર મનાવવા માતાના ઘરે પીયર ગઈ હતી. જ્યાંથી મોપેડ પર સવાર થઈ પોતાના ભાઈ સાથે ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં પાછળથી આવેલા ડમ્પરે મોપેડને જારદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા અને દીકરી બંનેને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત સમયે મોપેડ પર મૃતક રુકશાનનો ભાઈ અને તેની ચાર વર્ષની મોટી દીકરી હાઈકા પણ સવાર હતા. ડમ્પરની ટક્કર એટલી જારદાર હોવા છતાં, હાઈકા અને તેના મામાનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. જાકે, હાઈકાએ પોતાની નજર સામે જ માતા અને નાની બહેનને ગુમાવતા પરિવાર માટે આ આઘાત જીરવવો અસહ્ય બની ગયો છે.
અકસ્માતની જાણ થતાં ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો દ્વારા શહેરમાં ભારે વાહનોની બેદરકારીભરી ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. પોલીસે ડમ્પર ચાલકને અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં બેદરકારીનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ભેસ્તાન પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ કરુણ ઘટનાએ એક જ ક્ષણમાં માતા અને માસૂમ દીકરીનો જીવ લઈ લીધો છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે લોકોને માર્ગ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા તેમજ ભારે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે.