મોરબીના રંગપર ગામ નજીક આવેલી એક સિરામિક ફેક્ટરીમાં પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કંપારી છુટાવતી ઘટના સામે આવી છે. પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાના વહેમમાં પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવીને પથ્થરના ઘા ઝીંકી લોહિયાળ ખેલ ખેલી નાખ્યો છે. આ ભયાનક હત્યાકાંડને પગલે ફેક્ટરીના અન્ય શ્રમિકો અને સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી પતિએ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જ પત્ની પર હિંસક હુમલો કર્યો હતો. તેણે પ્રથમ પત્નીના માથાના ભાગે ભારે અને મોટો પથ્થર મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ પણ ગુસ્સો શાંત ન થતાં, આરોપીએ પત્નીનું ગળું દબાવીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મહિલાનું નામ રેખાબેન ઉર્ફે રિયા છે અને આરોપી પતિનું નામ મહેન્દ્રસિંહ મરકામ છે. આ દંપતીના લગ્ન દોઢ મહિના પહેલા જ થયા હતા અને લગ્ન બાદથી જ તેઓ રંગપર ગામ નજીક આવેલી આ સિરામિક ફેક્ટરીમાં શ્રમિક તરીકે કામ કરતા હતા અને ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
હત્યા પાછળનું મુખ્ય કારણ ઘરકંકાસ અને પત્નીના ચારિત્ર્ય પરની શંકા હોવાનું બહાર આવ્યું છે. આરોપી મહેન્દ્રસિંહને એવો વહેમ હતો કે તેની પત્ની રેખાબેન ‘દિલભર યાદવ’ નામના અન્ય એક યુવક સાથે અવારનવાર વાતચીત કરે છે અને તેની સાથે આડા સંબંધ ધરાવે છે. આ જ વહેમ અને અદાવત મનમાં રાખીને આરોપી પતિએ આ આખા હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
આ ચકચારી હત્યા અંગે મોરબી તાલુકા પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી પતિ વિરુદ્ધ આકરા પગલાં લેવાની તજવીજ શરૂ કરી છે. આ મામલે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ અને ઘટના સમયની કડીઓ મેળવવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.