રાજસ્થાન અને હરિયાણા વચ્ચે છેલ્લા ૩૨ વર્ષથી ચાલી રહેલો યમુના પાણી વિવાદ આખરે સમાપ્ત થઈ રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે હાજર રહેશે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માના પ્રયાસોને કારણે, આ દિશામાં આટલી ઝડપી કાર્યવાહી માત્ર અઢી વર્ષમાં શક્ય બની છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાનના ગંભીર પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
પ્રોજેક્ટના મુખ્ય મુદ્દાઓઃ
હરિયાણા સરકારે ૧૯૯૪ના યમુના પાણી વહેંચણી કરાર મુજબ રાજસ્થાનને તેના હિસ્સાનું પાણી પૂરું પાડવા માટે સંમતિ આપી છે.
હરિયાણાના હાથિનીકુંડ બેરેજથી રાજસ્થાનમાં પાણી લાવવા માટે ૨૯૫ કિલોમીટર લાંબી ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવશે.
આ પ્રોજેક્ટ રાજસ્થાનના શેખાવતી પ્રદેશને ૧૯૧૭ ક્્યુસેક પાણી પૂરું પાડશે. આ કરારથી રાજસ્થાનના શેખાવતી પ્રદેશના ત્રણ મુખ્ય જિલ્લાઓના લાખો લોકોને સીધો ફાયદો થશેઃ ચુરુ,સીકર,ઝુનઝુનુ આ કરાર બંને રાજ્યો વચ્ચે પાણી સહયોગ અને સંકલનને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપશે તેવી પણ અપેક્ષા છે.
એ નોંધવું ઈએ કે રાજસ્થાન અને હરિયાણા વચ્ચે યમુના પાણીનો વિવાદ મુખ્યત્વે ૧૯૯૪માં થયેલા આંતર-રાજ્ય કરારને લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે હતો. આ કરાર હેઠળ, રાજસ્થાનને યમુના નદીના આશરે ૧૦.૪ ટકા પાણી ફાળવવામાં આવ્યું હતું, જે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી રાજસ્થાનને પહોંચાડવાનું હતું. જો કે, છેલ્લા ત્રણ દાયકાથી, બંને રાજ્યો આ પાણીના પરિવહન માટે નહેરના નિર્માણ અને પાણીની ઉપલબ્ધતા અંગે કોઈ કરાર પર પહોંચી શક્્યા નથી. હરિયાણાએ દલીલ કરી હતી કે ચોમાસાની ઋતુ સિવાય તેની પાસે વધારાનું પાણી નથી, જ્યારે રાજસ્થાનમાં શેખાવતી પ્રદેશ (ચુરુ, સીકર, ઝુનઝુનુ) અને રાજગઢ જેવા વિસ્તારો લાંબા સમયથી પીવાના પાણી અને સિંચાઈના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. આ આખો પ્રદેશ રણપ્રદેશ બની ગયો છે અને ભૂગર્ભજળની અછતથી પીડાય છે.