તુલસીશ્યામ ખાતે રૂક્ષ્મણી માતાના ડુંગર પરથી અંદાજે ૪૦થી ૫૦ ફૂટ નીચે પટકાયેલા એક સાબરને પાંચ કલાકથી વધુ સમય સુધી સારવાર ન મળ્યાનો આક્ષેપ થયો છે. ઉનાના વિનોદભાઈ બાંભણિયાએ જણાવ્યું કે સાબરને ગરદન સહિત શરીરના ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. મંદિર ટ્રસ્ટ મારફતે વન વિભાગને જાણ કરાઈ હોવા છતાં લાંબા સમય સુધી કોઈ રેસ્ક્યુ ટીમ કે પશુચિકિત્સક સ્થળે પહોંચ્યા નહોતા. બાદમાં વિવિધ વન અધિકારીઓને ફોન કરીને પણ જાણ કરવામાં આવી હતી. રાત્રે મોડે સુધી કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાનો વીડિયો બનાવતા મોબાઈલ ઝૂંટવી લઈ વીડિયો ડિલીટ કરવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.