ઉના તાલુકાના કાજરડી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા સાત મહિનાથી ગુમ થયેલા ૫૫ વર્ષીય જીણાભાઈ કાળાભાઈ સોલંકીનો કંકાલ તેમની જ વાડી નજીક આવેલા ૧૫ ફૂટ ઊંડા અવાવરૂ અને પાણી વગરના કૂવામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જીણાભાઈ ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ અચાનક ગુમ થયા હતા. પરિવારજનોએ ઉના, દીવ, બગદાણા, જૂનાગઢ સહિત અનેક સ્થળોએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. બાદમાં ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઉના પોલીસમાં ગુમસુધાની અરજી કરવામાં આવી હતી. આજે કૂવામાંથી દુર્ગંધ આવતાં ગામલોકોએ તપાસ કરતા હાડપિંજર જોવા મળ્યું હતું. લાંબો સમય વીતી જતાં મૃતદેહ સંપૂર્ણપણે કોહવાઈ ગયો હતો. ગામના આગેવાનો અને સગા-સંબંધીઓએ કંકાલને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘરની આટલી નજીકથી મૃતદેહ મળતાં સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.










































