દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. સુરત શહેરમાં ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીઓ ભયજનક સપાટીએ વહેતા આસપાસના સ્લમ વિસ્તારોથી લઈને પોશ વિસ્તારો સુધી પાણી ફરી વળ્યાં છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખાડીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં વહીવટી તંત્રને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવી પડી છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાંથી આશરે ૨,૧૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક સોસાયટીઓ અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યારે રોજિંદું જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.
બીજી તરફ, સુરત જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારોમાં પણ સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓ અને ખાડીઓમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં વીજકરંટ લાગવો, ઝાડ પડવું અને વીજળી પડવા જેવી ઘટનાઓમાં કુલ ૧૧ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજામાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.





































