નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરતાં ભાવનગર-પરા રેલવે સ્ટેશન પરથી ૧૬.૯૭૭ કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ગાંજા અને મોબાઇલ સહિત કુલ ૮,૪૯,૩૫૦નો મુદ્દામાલ કબજે કરીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ કાર્યવાહી રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ. એમ. કળોતરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી ૧૬.૯૭૭ કિલોગ્રામ ગાંજા મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત ૮,૪૮,૮૫૦ છે. ઉપરાંત એક મોબાઇલ ફોન સહિત કુલ ૮,૪૯,૩૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮, ૨૦ અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ વિનોદ રાજકુમાર કેસરી (ઉંમર ૩૮ વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગાંજા ક્્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નશાના જાળમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.