રાજુલા શહેરમાં એક કૌટુંબિક વિવાદમાં પતિએ એસિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બે મહિનાનું કહીને અમદાવાદ નોકરી કરવા ગયેલી પત્ની પરત ન ફરતાં અને પરિવારના સમજાવવા છતાં ફરીથી અમદાવાદ ચાલી જતાં, પતિને આ વાતનું ભારે લાગી આવ્યું હતું. હાલ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, રાજુલામાં રહેતા યુવકના પત્ની આશરે સાતેક મહિના પહેલાં અમદાવાદ ખાતે નોકરી કરવા માટે ગયા હતા. શરૂઆતમાં તેઓ માત્ર બે મહિના નોકરી કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ છેલ્લા સાત મહિનાથી તેઓ અમદાવાદ જ વસવાટ કરી રહ્યા હતા. દરમિયાન, ગત તારીખ ૧૦/૦૬/૨૦૨૬ના રોજ પત્ની રાજુલા ખાતે પોતાના ઘરે પરત આવ્યા હતા.અહીં થોડા દિવસ રોકાયા બાદ, તારીખ ૧૫/૦૬/૨૦૨૬ના રોજ તેઓ ફરીથી પોતાના કપડાંનો થેલો ભરીને અમદાવાદ નોકરી કરવા જવા માટે નીકળ્યા હતા. આ સમયે પતિ, તેમની ત્રણ માસૂમ દીકરીઓ તેમજ સાસુ-સસરાએ તેમને રોકાવા માટે ખૂબ સમજાવ્યા હતા અને અમદાવાદ ન જવા વિનંતી કરી હતી. આમ છતાં, મહિલાએ પરિવારના કોઈ પણ સભ્યની વાત માની નહોતી અને તેઓ અમદાવાદ જવા નીકળી ગયા હતા.પત્નીના આ પ્રકારના વર્તન અને ત્રણ દીકરીઓ સહિત પરિવારની અવગણના કરીને ચાલ્યા જવાથી પતિ સખત આઘાતમાં સરી પડ્‌યો હતો. પત્નીના ગયા બાદ તેને આ વાતનું મનમાં ભારે લાગી આવ્યું હતું અને ઘરમાં રાખેલી એસિડની બોટલમાંથી પોતે એકાદ ઢાંકણું એસિડ પી લીધું હતું. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એસ. બાંભણીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.