રાજુલા શહેરની મુખ્ય બજારમાં આવેલી ‘ફખરી હાર્ડવેર’ નામની દુકાનના ૬૦ વર્ષીય વેપારી કેઝારભાઇ ફખરૂદિનભાઇ હથીયારી પર ચાર શખ્સોએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલા પાછળ જૂની અદાવત અને દુકાને સામાન ખરીદવા બાબતે થયેલી ભાવતાલની ઉગ્ર બોલાચાલી મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. લોખંડના પાઇપ અને લાકડીઓ વડે કરાયેલા આ ઘાતકી હુમલામાં વેપારીને જમણા હાથે બે ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમજ આરોપીઓએ તેમની ઇલેક્ટ્રિક મોટરસાયકલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્‌યું છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.આ ઘટના અંગે વેપારીએ રિઝવાનભાઇ ડેસર, તહેસીન રિઝવાનભાઇ ડેસર, રોનકભાઇ ગીરીશભાઇ શાહ અને મન નિલેષભાઇ કંસારા સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રિઝવાન ડેસર દુકાને સામાન ખરીદવા આવ્યો હતો અને ભાવતાલ બાબતે ઉગ્ર બોલાચાલી થતા તે ગાળો આપીને ચાલ્યો ગયો હતો. આ વિવાદનો બદલો લેવા ચારેય આરોપીઓએ કાવતરું રચ્યું હતું. યોજના મુજબ મન કંસારાએ વેપારીને ફોન કરીને સામાન લેવાના બહાને બોલાવ્યા હતા. વેપારી જ્યારે ત્યાંથી પોતાની મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં મન કંસારા અને રોનક શાહે તેમનો રસ્તો રોકી પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ રિઝવાન ડેસરે બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા.