વડોદરામાં બાળકીની સુરક્ષાને લઈને ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શહેરના છાણી વિસ્તારમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો આરોપ સામે આવતા પોલીસે પોસ્કો અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત બાળકીના માતા-પિતા ખેતરમાં ઝૂંપડું બનાવીને રહે છે. આરોપી નજીકના વેરહાઉસમાં સફાઈ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી બાળકીને ચોકલેટ અને અન્ય વસ્તુઓની લાલચ આપીને પોતાની પાસે બોલાવતો હતો. આ કેસમાં ૫૫ વર્ષીય જગદીશ ગોહિલ સામે ગંભીર આરોપો નોંધાયા છે. ઘટના નારાયણનગર ગરનાળા સામેના વિસ્તારમાં બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ છાણી પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિત સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તેમજ ઘટનાની દરેક દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પીડિત બાળકીનું તબીબી પરીક્ષણ સહિત જરૂરી કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત, ઘટના અંગેના તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે જેથી તપાસને ઝડપી અને અસરકારક રીતે આગળ વધારી શકાય.આ ઘટના બાદ વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જાવા મળી રહ્યો છે. બાળ સુરક્ષા અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.






































