બાબરા તાલુકાના નોંઘણવદર ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે એક મોટી કાર્યવાહી કરીને સીમ વિસ્તારમાં ચાલતી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. આ અચાનક થયેલી કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. દરોડા દરમિયાન SMCની ટીમે દેશી દારૂ, તે બનાવવા માટેનો વોશ, જનરેટર અને વાહન સહિત કુલ રૂ.૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.નોંઘણવદર ગામના એક ખેતરમાં મોટા પાયે દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી SMCને મળી હતી, જેના આધારે ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી ૨,૦૮૫ લીટર તૈયાર દેશી દારૂ તેમજ ૧૩,૨૫૦ લીટર દારૂ બનાવવા માટેનો વોશ મળી આવ્યા હતા, જેને પોલીસે સ્થળ પર જ નષ્ટ કર્યા હતા.આ સમગ્ર હાઈવોલ્ટેજ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ મળીને રૂ.૮,૭૦,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જે. એમ. સિસોદિયાની આગેવાનીમાં આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMCની ટીમ દ્વારા કરાયેલી આ આકરી કાર્યવાહી હાલ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.



































