અમરેલી શહેરના સર્વાંગી વિકાસ માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના હેઠળ કરોડો રૂપિયાના અત્યંત મહત્વકાંક્ષી પ્રકલ્પોને પ્રાથમિક મંજૂરી મળી છે. અમરેલીના ધારાસભ્ય અને મંત્રી કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસોથી કુલ રૂ. ૫૫૫ લાખના આ અદ્યતન કાર્યોને પ્રાથમિક મંજૂરી અપાવવામાં ઐતિહાસિક સફળતા સાંપડી છે. આ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા હસ્તકના ભક્તિનગર વોટર વર્કસ ખાતે અંદાજિત રૂ. ૧૯૦ લાખના ખર્ચે ૧૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી આર.સી.સી.ની ઊંચી ટાંકી બનાવવાનું અને અંબિકાનગર વોટર વર્કસ ખાતે પણ અંદાજિત રૂ. ૧૯૦ લાખના ખર્ચે એક ૧૫ લાખ લીટર ક્ષમતાની ભવ્ય ઊંચી ટાંકી બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. કુલ ૩૦ લાખ લીટરની પ્રચંડ ક્ષમતા વાળી નવી ટાંકીઓના પરિણામે શહેરના આ બંને ઝોનમાં છેવાડાના ઘર સુધી પૂરતા ફોર્સથી શુદ્ધ પીવાનું પાણી અવિરતપણે પહોંચાડી શકાશે, જેનાથી આ વિસ્તારની વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. વધુમાં પાણીની આ સુવિધા ઉપરાંત શહેરના તમામ વોર્ડ નંબર ૧ થી ૧૧ ના વિવિધ આંતરિક રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ તેમજ મુખ્ય રાજમાર્ગો ઉપર અંદાજિત રૂ. ૧૭૫ લાખના ખર્ચે આધુનિક અને ઉર્જા કાર્યક્ષમ એનર્જી સેવર સ્માર્ટ લાઈટો નાખવાના કામને પણ પ્રાથમિક મંજૂરી મળી છે.







































