વડિયાના ચારણીયા રોડ પરથી બિન અધિકૃત રીતે અનાજનો જથ્થો પસાર થતો હોવાની બાતમીના આધારે મામલતદારની ટીમે પીછો કરીને રીક્ષાને અટકાવી હતી. જરૂરી આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન મળતા અનાજનો જથ્થો, રીક્ષા અને વજન કાંટો મામલતદાર કચેરી ખાતે લાવી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાયો હતો જ્યારે રીક્ષા પોલીસને સોંપવામાં આવી હતી. ઝડપાયેલ ઇબ્રાહીમ મુસા માલવિયા અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સસ્તા અનાજની દુકાનોમાંથી લાભાર્થીઓ પાસેથી અનાજ ખરીદી હોલસેલ વેપારીઓને સપ્લાય કરવામાં આવતું હોવાની માહિતી મળી છે. હવે તપાસમાં અનાજ કોની પાસેથી લેવામાં આવ્યું તેની વિગતો મેળવી સંબંધિત રેશનકાર્ડ ધારકો સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.