લાઠી-બાબરા-દામનગર વિધાનસભા વિસ્તારનો ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના આગેવાનો, વિવિધ વિષયોના જિલ્લા વક્તાઓ તેમજ લાઠી, બાબરા અને દામનગર વિસ્તારના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યપધ્ધતિને અસરકારક બનાવવા, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમજ કાર્યકર્તાઓની જવાબદારી અને ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સંગઠનના મૂલ્યો, સેવા, સુશાસન અને રાષ્ટ્રપ્રથમના સિધ્ધાંતો અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત તેના સમર્પિત અને સેવાભાવી કાર્યકર્તાઓ છે.સતત પ્રશિક્ષણ અને સંગઠનાત્મક મજબૂતાઈ દ્વારા પાર્ટી વધુ સશક્ત બને છે. તેમણે દરેક કાર્યકર્તાને જનસંપર્ક વધારી સરકારની વિવિધ વિકાસલક્ષી અને જનહિતકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પ્રશિક્ષણ વર્ગ કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વિકસાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સંગઠનની નીતિઓ અને કાર્યક્રમોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે આવા પ્રશિક્ષણ વર્ગો ખૂબ ઉપયોગી સાબિત થાય છે.