રાજુલા ખાતે છેલ્લા ૩૬ કલાક દરમિયાન અંદાજિત ૧૨થી ૧૩ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેર તેમજ વડ, ભસાદર, ભરાઈ, રામપરા સહિતના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂરથી અસરગ્રસ્ત લોકોને ખાવા પીવાની મુશ્કેલી ઉભી થતા ડેપ્યુટી કલેક્ટર દ્વારા બીએપીએસ સંસ્થાનો સંપર્ક કરાયો હતો. ત્યારબાદ મહુવા બીએપીએસ મંદિર દ્વારા તાત્કાલિક ૪૬૯ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ફૂડ પેકેટ રાજુલાના મામલતદાર હરેશભાઈ પુરોહિતને સાધુ યોગીપુરુષદાસજી અને સાધુ નારાયણસેવકદાસજીની હાજરીમાં સરકારને વિતરણ માટે સુપ્રત કરાયા હતા. આ માનવસેવાની કામગીરીને સ્થાનિક લોકો દ્વારા ખુબ સરાહના મળી રહી છે.