થાઇલેન્ડના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં, પિકઅપ ટ્રક ચલાવતા ૧૧ વર્ષના છોકરાએ યાત્રા પર જઈ રહેલા સાધુઓના જૂથને ટક્કર મારી. આ દુઃખદ અકસ્માતમાં નવ સાધુઓના મોત થયા. મુકદહાન પ્રાંતના કુલ ૩૫ સાધુઓ યાત્રા પર હતા. મુકદહાનના ગવર્નર વોર્યાન બુનરાતે અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે પાંચ સાધુઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચાર અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ૧૩ અન્ય સાધુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ સાધુઓની હાલત ગંભીર છે.
અકસ્માતના લગભગ ૩૦ મિનિટ પહેલા જૂથે ઉબોન રત્ચાથાની પ્રાંતની ૨૬૦ કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી. સ્થાનિક બચાવ જૂથ, રુઆમ જે મુકદહાન રેસ્ક્્યુ એસોસિએશન દ્વારા શેર કરાયેલા ફૂટેજમાં સાધુઓ રસ્તાની બાજુમાં એક લાઇનમાં ચાલતા દેખાય છે જ્યારે એક પિકઅપ ટ્રક તેમને કચડી નાખે છે. અકસ્માતમાં બચી ગયેલા સાધુઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓએ વાહનને કાબૂ ગુમાવતા, રસ્તા પરથી લપસી પડતા અને સીધા જૂથ સાથે અથડાતા જાયું હતું.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે છોકરો હાલમાં કસ્ટડીમાં છે. આરોપી બાળક હોવાથી, બાળ સુરક્ષા અધિકારીઓના આગમન પછી જ કાયદા અનુસાર તેની પૂછપરછ કરવામાં આવશે. અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. જાકે, પોલીસના જણાવ્યા મુજબ, સાધુઓએ વાહનને રસ્તા પર અનિયંત્રિત રીતે પલટી ખસતું જોયું, ત્યારબાદ તે રસ્તા પરથી પલટી ગયું અને જૂથ સાથે અથડાયું.