બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં આવેલી પવનચક્કીના વીજ પોલની આસપાસ જે લોખંડની વાડ બનાવવામાં આવી છે, તેના કારણે વરસાદી પાણીના નિકાલનું કુદરતી વહેણ પૂરાઈ ગયું છે. પાણીનો નિકાલ ન થતાં તે ખેતરોમાં જ ભરાઈ રહ્યું છે, જેથી પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પ્રશ્ને ગામના સરપંચ વાસુરભાઈ ચૌહાણની આગેવાની હેઠળ ખેડૂતોએ બાબરા મામલતદારને આવેદનપત્ર આપીને તાકીદે આ વાડ દૂર કરવા માંગ કરી છે. આ ઉપરાંત સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવવા ઉગ્ર માંગ કરાઈ છે.