બગસરા શહેરમાં પાલિકા દ્વારા લગાવવામાં આવેલી સ્ટીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી શહેરના હાર્દ સમાન વિસ્તારો રાત્રિ દરમિયાન અંધારપટમાં ગરકાવ થઈ જાય છે. પોલીસ સ્ટેશનથી લઈને ઝાંઝરીયા બસ સ્ટેશન સુધીનો માર્ગ તેમજ શહેરનું મુખ્ય આકર્ષણ ગણાતો આઇકોનિક રોડ સંપૂર્ણપણે અંધારામાં ડૂબી ગયો છે. આ રોડ પર લગાવેલી એલઇડી સ્ક્રીનો બંધ છે, ડસ્ટબીનો તૂટી ગયા છે અને સ્ટ્રીટ લાઈટના પોલ પણ ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે વડીલો અને મહિલાઓને રાત્રે પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. જાગૃત નાગરિકો દ્વારા પાલિકા પ્રમુખ અને લાઈટ સમિતિના ચેરમેનને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે. આ અંગે પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયાએ નવી લાઈટો મંગાવી હોવાનું અને ટૂંક સમયમાં જ સમસ્યાનું નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ કામગીરી ક્યારે પૂર્ણ થાય છે.









































