બગસરા શહેરમાં મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓ પૂરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે સ્વૈચ્છિક રીતે કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક નાગરિકોને રાહત મળે અને સંસ્થાની સામાજિક જવાબદારી નિભાવવા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સિઝનના પ્રથમ વરસાદમાં જ પૂરાયેલા ખાડાઓનું ધોવાણ થતાં કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. સિમેન્ટ ધોવાઈ જતાં માર્ગો પર ફરી કાંકરીઓ દેખાવા લાગી છે અને ખાડાઓ યથાવત બન્યા છે. ઘટનાને લઈને નગરમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. લોકોનું માનવું છે કે યોગ્ય આયોજન, તકનીકી માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત સામગ્રીના અભાવે આ કામગીરી સફળ રહી નથી. પરિણામે, પ્રશંસા મેળવવાની અપેક્ષા રાખનાર ચેમ્બર ઓફ કોમર્સ હવે ટીકા અને અસંતોષનો સામનો કરી રહ્યું છે.