જાફરાબાદની પીજીવીસીએલ કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓની ભારે ઘટ વર્તાઈ રહી છે. સરકારી તંત્ર દ્વારા અહીં સ્ટાફની નવી ભરતી કરવાની વહીવટી પ્રક્રિયા તો દૂરની વાત છે, પરંતુ તાજેતરમાં જ અહીં ફરજ બજાવતા નિષ્ઠાવાન નાયબ ઇજનેરની અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. આ મનસ્વી બદલીના કારણે સ્થાનિક લોકોને ભારે વીજ સમસ્યાઓ ભોગવવાનો વારો આવ્યો છે. જાફરાબાદ પીજીવીસીએલમાં વર્ષોથી સ્ટાફ ઓછો છે અને જે કર્મચારીઓ આવે છે, તેઓ દર વર્ષે બદલી કરાવીને પોતાના વતન જતા રહે છે. તેમની જગ્યાએ નવી ભરતી ન થવાને લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી અનેક વિસ્તારોમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાથી લોકોને અંધારપટમાં રહેવું પડે છે. હવે તંત્ર નવી ભરતી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.