સાવરકુંડલામાં રવિવારે ભારે વરસાદથી નાવલી, શેત્રુંજી અને શેલ નદીઓમાં ઘોડાપૂર આવતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. આ આકાશી આફત વચ્ચે જૂના સાવર ગામે ક્રેન અને કાર તણાતાં ૨૧ વર્ષીય રિજવાનભાઈ મન્સૂરી નામનો યુવાન પૂરના પાણીમાં ફસાયો હતો. પોતાનો જીવ બચાવવા માટે યુવાન પાંચ કલાક સુધી કારની છત પર બેસીને મદદ માટે પોકાર કરતો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય મહેશ કસવાળા, મામલતદાર, ટીડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વહીવટી તંત્રનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. નગરપાલિકા સદસ્ય નાસીરભાઈ ચૌહાણ, ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ અદભુત હિંમત દાખવી જીવના જોખમે દોરડાના સહારે રાત્રે એક વાગ્યે યુવાનને સલામત બહાર કાઢ્યો હતો.







































