સાવરકુંડલા અને લીલીયા પંથકમાં અતિ ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરી પરિસ્થિતિમાં સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, પોલીસ તંત્ર, નગરપાલિકા, તાલુકા પંચાયત, માર્ગ અને મકાન અને સિંચાઈ વિભાગ સહિતની તમામ કચેરીઓના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે વહીવટી તંત્ર સાથે સતત મોનિટરિંગ કરીને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. બેઠક દરમિયાન ધારાસભ્યે અધિકારીઓને જણાવ્યું હતું કે, “આપણી પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે”. કોઈપણ પ્રકારની બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષિત સ્થળે બદલી, પાણીના યોગ્ય નિકાલ અને જાનહાનિ અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં ત્વરિત ધોરણે લેવામાં આવે. તંત્રના તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ૨૪ કલાક ખડેપગે રહીને નાગરિકોને જરૂરી મદદ પૂરી પાડવાની રહેશે. આ ઉપરાંત તેમણે નગરજનોને પણ પૂરતી સાવચેતી રાખવા, સુરક્ષિત સ્થળોએ રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.