બાબરા તાલુકાના કોટડાપીઠા થઈને સવારે ૬ વાગ્યે પસાર થતી અમરેલી-બેટદ્વારકા બસને ‘એક્સપ્રેસ’માંથી ‘ગુર્જરનગરી’ કરવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.બસનો કેટેગરી બદલાવાને કારણે તેમાં વિદ્યાર્થીઓ અને નોકરીયાતોના પાસ ચાલતા બંધ થઈ ગયા છે. સવારે ૫ થી ૭ વાગ્યા વચ્ચે રાજકોટ જવા માટે અન્ય કોઈ લોકલ કે એક્સપ્રેસ બસ ન હોવાથી કોટડાપીઠા, વાવડા અને કરણુકી ગામના અપડાઉન કરતા લોકો પરેશાન છે.
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરીયાતો દ્વારા તંત્ર સમક્ષ મહત્વની માંગણીઓ કરવામાં આવી છે. તેમની માંગ છે કે કાં તો આ બસને ફરીથી એક્સપ્રેસ કરવામાં આવે, અથવા સવારે ૬ થી ૬ઃ૩૦ વચ્ચે નવી લોકલ કે એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવે. આ સિવાય, સાવરકુંડલા-રાજકોટ લોકલ બસનો સમય સવારે ૭ ના બદલે વહેલો કરીને ૬ઃ૩૦ વાગ્યાનો કરવા પણ રજૂઆત કરાઈ છે.