દામનગરમાં અંદાજે આઠ વર્ષ પહેલા રૂ. દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવા પુલ પર વરસાદ પડતા જ પાણી ભરાઈ જવાની સમસ્યા ફરી સામે આવી છે. પુલ પર વરસાદી પાણીનો એટલો ભરાવો થાય છે કે જાણે ચેક ડેમ કે નાનું તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. પાણીના નિકાલ માટે બનાવેલા સાઈડના પાઈપોમાં કચરો ભરાઈ જવાથી પાણી બહાર નીકળી શકતું નથી. પરિણામે પસાર થતા વાહનોના કારણે રાહદારીઓ પર પાણી ઉડે છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોમાં પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. વરસાદી મોસમ દરમિયાન અકસ્માતનો ભય પણ ઉભો થયો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાઈપોની સફાઈ કરી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારુ બનાવવા માંગ કરી છે.







































