લાખો લોકો માટે ઉપયોગી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી, ધારી-ચલાલા-વિસાવદરના પ્રતિષ્ઠિત આગેવાનો આગામી તારીખ ૦૬ને સોમવારે બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ રજુઆત કરવા માટે પહોંચશે. આ વેળાએ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક ભાઈ વેકરીયા, ધારાસભ્ય જેવી કાકડીયા, હીરા ભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયાની સાથોસાથ કિસાન મોરચાના પ્રમુખ હીરેન હીરપરા તેમજ શિક્ષક શાંતિલાલ પરમાર ખાસ હાજરી આપીને અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટેની યોગ્ય રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા કરવામાં આવે તો ચલાલા, ધારી, વિસાવદર વિસ્તારના લાખો લોકોને મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે અને આ સુવિધાથી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ વિસ્તારના લાખો લોકો સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરો સાથે વેપારથી સંકળાયેલા છે ત્યારે બ્રોડગેજનાં માધ્યમથી મુસાફરીની સાથોસાથ પરિવહનને પણ વેગ મળશે. આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર મંદિર, સતાધાર,પરબધામ તેમજ ગીર જંગલના પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને પર્યટન સ્થળોનો વિકાસ થશે.