અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પૂર્વે ધાર્મિક માહોલ જામ્યો છે અને આજથી ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર રથયાત્રામાં જાડાતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર અને પોલીસ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તમામ વિભાગો વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે પોતાની તૈયારીઓ વધુ તેજ કરી છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં પોલીસ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સામાજિક સૌહાર્દ તથા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ સમાજમાં એકતા અને પરસ્પર વિશ્વાસનો સકારાત્મક સંદેશ આપ્યો છે.
રથયાત્રાની તૈયારીઓ અંગે અમદાવાદ પોલીસના ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ મહત્વના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે જેથી કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરી શકાય. રથયાત્રાના સમગ્ર રૂટ પર પણ પૂરતી પોલીસ તૈનાત કરવામાં આવશે અને તમામ વ્યવસ્થાઓનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.
અતુલ બંસલે લોકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ફરતા અફવાભર્યા અથવા ભ્રામક મેસેજથી ગેરમાર્ગે દોરાવું નહીં. કોઈપણ માહિતીની સત્યતા તપાસ્યા વગર તેને શેર ન કરવાની પણ તેમણે વિનંતી કરી છે. રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની સાયબર ટીમ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત મોનીટરિંગ કરશે જેથી કોઈપણ પ્રકારની અફવા કે ગેરમાર્ગે દોરતી માહિતી સમયસર રોકી શકાય.
અમદાવાદ પોલીસનું કહેવું છે કે રથયાત્રાને લઈને તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ, વહીવટી તંત્ર અને વિવિધ સમાજના આગેવાનો સાથે મળીને સતત કાર્ય કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને સૌહાર્દના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને લોકોને પણ તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.









































