લીલીયા તાલુકાના પૂરગ્રસ્ત ગુંદરણ ગામની ધારાસભ્ય મહેશ કસવાળાએ મુલાકાત લઈ ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ અને જરૂરિયાતોની જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન તેમણે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો સાથે ગામમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, ખેતી અને જાહેર સુવિધાઓને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે અધિકારીઓને પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય ઝડપી અને પારદર્શક રીતે પહોંચાડવા જણાવ્યું હતું. સાથે પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને વીજ પુરવઠો નિયમિત રહે તેની ખાસ તકેદારી રાખવા ભાર મૂક્યો હતો. ગ્રામજનોએ તેમની મુલાકાતને આવકારી સંતોષ વ્યક્ત કર્યો હતો.