એક તાર્કિક દૃષ્ટિકોણ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના ઇતિહાસમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્થાન સર્વોપરી છે. વેદવ્યાસ રચિત ‘મહાભારત’ અને ‘શ્રીમદ ભગવદગીતા’માં જે કૃષ્ણનું વર્ણન છે, તે એક અત્યંત પ્રભાવશાળી, રાજનીતિજ્ઞ, મહાન યોધ્ધા, કર્મયોગી અને ગીતાના માધ્યમથી સમગ્ર માનવજાતને જીવનનું સાચું દર્શન કરાવનાર ‘યોગેશ્વર’ છે. પરંતુ, કાળક્રમે આ ભવ્ય અને ઐતિહાસિક વ્યક્તિત્વને ભક્તિના નામે એક એવા પ્રવાહમાં વહેવડાવી દેવામાં આવ્યું છે, જ્યાં તર્ક અને ઐતિહાસિક સત્ય કરતાં ભાવનાઓ અને કાલ્પનિક કથાઓનું વર્ચસ્વ વધી ગયું છે. ખાસ કરીને ‘રાધા’ના પાત્રનો ઉદય અને તે દ્વારા કૃષ્ણના ચરિત્રને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે, તે ગંભીર ચિંતન અને તાર્કિક પુનઃમૂલ્યાંકનનો વિષય છે. જ્યારે આપણે કૃષ્ણના ઐતિહાસિક અસ્તિત્વની વાત કરીએ છીએ, ત્યારે આપણે વેદવ્યાસના ગ્રંથો તરફ જોવું પડે છે, જેમાં ક્યાંય પણ રાધાનો ઉલ્લેખ નથી. રાધાનું પાત્ર ઈ.સ. ૧૨મી સદી પછીના કવિઓ જેમ કે જયદેવની કલ્પનામાંથી ઉભું થયું છે અને ત્યારબાદ બ્રહ્મવૈવર્ત પુરાણ જેવી પાછળથી લખાયેલી રચનાઓમાં તેને સ્થાન મળ્યું છે. આ સાહિત્યિક લેખકોએ પોતાની કાવ્યાત્મક અભિવ્યક્તિ અને માનવ સહજ વાસનાઓને આધ્યાત્મિકતાના રંગમાં રંગીને એક કાલ્પનિક પાત્ર ઊભું કર્યું છે, જેનો ઐતિહાસિકતા સાથે કોઈ સંબંધ નથી.
તાર્કિક દૃષ્ટિએ જોઈએ તો, રાધાનું પાત્ર કૃષ્ણના ચરિત્ર સાથે ઘણા વિરોધાભાસો ઊભા કરે છે. પૌરાણિક સાહિત્યમાં રાધાને પરણેલી દર્શાવીને અને અન્ય સાથેના સંબંધોને ‘દિવ્ય પ્રેમ’ કહીને જે રીતે ગ્લોરિફાય કરવામાં આવ્યું છે, તે કૃષ્ણ જેવા ભગવાનના વ્યક્તિત્વ માટે અન્યાયકર્તા છે. ભગવાન જે ધર્મના રક્ષક છે, તેઓ ક્યારેય અનૈતિક સંબંધને પ્રોત્સાહન આપી ન શકે. આ સંદર્ભમાં એ પ્રશ્ન અત્યંત મહત્વનો બની જાય છે કે, એક કાલ્પનિક પાત્રને કૃષ્ણના ગહન અને મૂળભૂત ઉપદેશો કરતાં પણ વધુ હાઇલાઇટ કરવાની સાધુઓ અને ધર્મગુરુઓને શું જરૂર પડે છે? વાસ્તવમાં, ભક્તિના નામે આ પ્રકારનું સાહિત્ય રચનારા અને તેને પ્રસારિત કરનારા લંપટ લોકો જ રાધાના પાત્રને સૌથી વધુ હાઇલાઇટ કરે છે. આ પાછળનું તેમનું મુખ્ય કારણ એ છે કે મૂળભૂત ઉપદેશો જેવા કે ગીતાના કર્મયોગ અને ધર્મનું પાલન અનુસરવા માટે વ્યક્તિએ અત્યંત સંયમી અને શિસ્તબધ્ધ જીવન જીવવું પડે છે, જ્યારે રાધા-કૃષ્ણની કાલ્પનિક લીલાઓનું ખોટું અર્થઘટન કરીને તેઓ પોતાના અંગત સ્વાર્થ અને વિકૃત કામનાઓને ધર્મનું આવરણ પહેરાવી શકે છે. સાધુઓના વેશમાં છુપાયેલા આવા લંપટ તત્વો માટે રાધાનું પાત્ર એક એવું સાધન બની ગયું છે જેના દ્વારા તેઓ સમાજની સ્ત્રીઓને ભાવનાત્મક રીતે ભ્રમિત કરી શકે છે અને પોતાના શોષણને ‘આધ્યાત્મિકતા’ તરીકે વેચી શકે છે.
આજે સમાજમાં એ સમજવું અનિવાર્ય છે કે દરેક ધાર્મિક પુસ્તક કે કાવ્ય એ શાશ્વત સત્ય નથી. લોકોની આંધળી ભક્તિ અને લેખકોની અતિશય કલ્પનાએ કૃષ્ણના શુધ્ધ અને ગંભીર ચરિત્રને એક ‘લફરા’ના પાત્ર સુધી સીમિત કરી દીધું છે. કૃષ્ણનું સાચું સ્વરૂપ એ મહાભારત અને ગીતામાં છે. જે કૃષ્ણે અર્જુનને રણમેદાનમાં ઉપદેશ આપ્યો, જેણે માનવતાને કર્મનું મહત્વ સમજાવ્યું, તે કૃષ્ણનું ચરિત્ર અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી છે. તેમને સમજવા માટે કોઈ રાધા કે કોઈ કાલ્પનિક લીલાઓની જરૂર નથી. આપણે કૃષ્ણના જીવનમાંથી એમના દ્વારા આપવામાં આવેલા જીવનના મૂળભૂત પાઠો લેવા જોઈએ, જે આપણને મુશ્કેલીમાં માર્ગદર્શન આપે, અન્યાય સામે લડવાની પ્રેરણા આપે અને જીવનને સાર્થક બનાવવાનો રાહ ચીંધે. જ્યારે આપણે ઓફિશિયલ ગ્રંથોને જ પ્રમાણ માનીએ છીએ, ત્યારે કૃષ્ણનું વ્યક્તિત્વ એક રાજનીતિજ્ઞ અને તત્વજ્ઞાની તરીકે ઉપસી આવે છે, જે કોઈપણ પ્રકારના અનૈતિક કલંકથી મુક્ત છે.
સમાજમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે રાધા એક સાહિત્યિક કલ્પના છે, ઐતિહાસિક પાત્ર નહીં, અને ધર્મના નામે જે પણ અનૈતિકતાને પ્રોત્સાહન મળે, તેનો સખત વિરોધ કરવો જોઈએ. કૃષ્ણના સ્વચ્છ ચરિત્રને પુનઃસ્થાપિત કરવા માટે આપણે મૂળ ગ્રંથો તરફ પાછા ફરવું પડશે. જે લેખકોએ ભક્તિના નામે વિકૃતિઓ પેદા કરી છે, તેને સત્યના ત્રાજવે તોળવી પડશે. ધર્મ એ નૈતિકતાનો પાયો છે, અનૈતિકતાનો માર્ગ નથી. જ્યારે આપણે સત્ય અને કલ્પના વચ્ચેનો ભેદ પારખી લઈશું અને કૃષ્ણના મૂળભૂત અને ક્રાંતિકારી ઉપદેશોને જીવનમાં ઉતારીશું, ત્યારે જ આપણે કૃષ્ણનું સાચું અને ગૌરવશાળી ચરિત્ર સમાજ સામે લાવી શકીશું અને ભક્તિના નામે થતી વિકૃતિઓને મૂળમાંથી ઉખેડી શકીશું.
naranbaraiya277@gmail.com









































