દામનગર શહેરની જૂની શાક માર્કેટ પાછળ આવેલો આશરે પાંત્રીસ વર્ષ જૂનો સિમેન્ટનો વીજ થાંભલો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ વીજ પોલના નીચેના ભાગેથી સિમેન્ટ ઉખડી જતાં અંદરના લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. રસ્તાની બિલકુલ વચ્ચે આવેલો આ થાંભલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અગાઉ આ ગંભીર બાબતે અખબારોમાં અહેવાલ પ્રસિધ્ધ થવા છતાં અને પીજીવીસીએલ તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. કોઈ મોટી હોનારત કે અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર તાકીદે આ વીજ પોલને અન્ય સલામત જગ્યાએ ખસેડી નવો થાંભલો ઊભો કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.