ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો. કુવૈત અને બહેરીને કહ્યું કે તેમને તેમની તરફ જતી મિસાઈલો મળી આવી, જેના કારણે બંને દેશોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને સક્રિય કરી. જા કે, તે સ્પષ્ટ નથી કે કોઈ મિસાઈલ કોઈ લક્ષ્ય પર પડી છે કે નહીં. કુવૈતી સૈન્યએ જણાવ્યું હતું કે ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ આવનારા હુમલાઓને રોકવા માટે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી હતી.
એ નોંધવું જાઈએ કે બહેરીને બુધવારે સવારે પણ મિસાઇલો તેના તરફ આગળ વધવાની જાણ કરી હતી, અને દેશભરમાં મિસાઇલ ચેતવણીના સાયરન વાગ્યા હતા. દરમિયાન, અમેરિકન સૈન્યએ બુધવારે વહેલી સવારે ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજાને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવી હતી. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે તેણે એવા પગલાં લીધા છે જેનાથી ઈરાન માટે આંતરરાષ્ટ્રીય બજારમાં મુક્તપણે ક્રૂડ ઓઈલ વેચવાનું વધુ મુશ્કેલ બનશે.
અમેરિકાના હુમલા પછી તરત જ, ઈરાને ચેતવણી આપી હતી કે તે “જે પણ જરૂરી પગલાં યોગ્ય લાગે તે લેશે.” આ નિવેદનથી એવી આશંકા વ્યક્ત થઈ છે કે યુદ્ધ અટકાવવા માટેનો વચગાળાનો કરાર તૂટી શકે છે અને સમગ્ર પશ્ચિમ એશિયા ફરીથી મોટા સંઘર્ષમાં ડૂબી શકે છે. આ વિકાસ ત્યારે થયો છે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆતમાં થયેલા હવાઈ હુમલામાં ખામેનીની હત્યા કરવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે પૂર્ણ થવાના છે.
વિશ્લેષકોને આશા હતી કે અંતિમ સંસ્કાર દરમિયાન તણાવ ઓછો થશે, પરંતુ શોક સેવા દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યા માટે વારંવાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખામેનીની અંતિમ સંસ્કાર પછી અમેરિકા અને ઈરાન વચ્ચે અંતિમ કરાર માટે વાટાઘાટો શરૂ થવાની યોજના હતી. જા કે, તાજેતરના હુમલાઓએ આ વાટાઘાટો પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાવ્યા છે.