આગામી દિવસોમાં યોજાનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. તે વચ્ચે પાટણ પોલીસ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચએ મોટી સફળતા મેળવી છે. સંયુક્ત કાર્યવાહીમાં જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ૫ દેશી કટ્ટા (તમંચા), ૪ જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવા માટે વપરાતો કાચો માલ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર સ્થળને સીલ કરીને પુરાવા કબજે લીધા છે.
આ કેસમાં પોલીસે સ્થળ પરથી ૬ આરોપીઓની ધરપકડ કરી છે. જાકે, ગેરકાયદેસર હથિયાર બનાવવાના આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ પોલીસ પહોંચે તે પહેલાં ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરાર મુખ્ય આરોપી અગાઉ પણ ગેરકાયદેસર હથિયારો બનાવવાના કેસમાં ઝડપાઈ ચૂક્્યો છે અને જેલવાસ પણ ભોગવી ચૂક્્યો છે. ઉપરાંત ફરાર અન્ય આરોપીઓ સામે પણ વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયારો કોને પહોંચાડવાના હતા, તેની પાછળ કોઈ મોટું ગુનાહિત નેટવર્ક અથવા ષડયંત્ર તો નથી ને? અત્યાર સુધી કેટલા હથિયારો બનાવવામાં આવ્યા અને ક્્યાં વેચાયા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસ કોર્ટમાં રજૂઆત કરશે, જેથી સમગ્ર સપ્લાય ચેઇન અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય.
રથયાત્રા પહેલાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થતાં પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.