આજના આધુનિક જમાનામાં સંબંધો જાણે મોબાઇલ અને કાગળની જેમ વોટ્સએપ જેવા બની ગયા છે. જુના જે સંબંધો હતા અને જે મીઠાશ હતી તે જાણે જતી રહી હોય તેમ હવે લોહીના સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ છે. આવી જ સંબંધોને શરમવતી ખૂબ જ કરુણ અને ગંભીર ઘટના મહીસાગર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં નજીવી બાબતે કળિયુગી પિતાએ ઊંઘમાં સુતેલા પોતાના જ પુત્રને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે.
મળતી વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે માત્ર ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે પિતાએ ઘોરનિંદ્રામાં સુતેલા પોતાના જ સગા પુત્રની કુહાડીના ઘા જીકીને નિર્મમ હત્યા કરી નાખી છે. આજે જે પિતાએ આંગળી પકડીને પુત્રને ચાલતા અને શાળાએ જતા શીખવાડ્યું, પોતાના ઘડતરના પાઠ પણ ભણાવ્યા તે જ પિતાએ પુત્રની જ નિર્મમ હત્યા કરી નાખીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
સમગ્ર મામલે મહીસાગર નાયબ પોલીસ અધીક્ષક જી. એલ ચૌધરીએ આપેલી માહિતી અનુસાર, મહીસાગર સંતરામપુરનાં આંબા ગામે પુત્ર અરવિંદ માલીવાડ જે ખેતીના કામ અર્થે ખેતરમાં કામ કરાવતા હતા અને પિતા રમેશ માલીવાડ વચ્ચે ખેતરમાં ટ્રેક્ટરના ભાડા બાબતે ઉગ્ર બોલાચાલી હતી. આ ખેંચતાણ એ હદે પહોંચી કે ઉશ્કેરાયા પુત્ર અરવિંદ માલીવાડે પોતાના પિતા રમેશ માલીવાડને ક્્યાંક લાકડી લઈ મારી દીધી હતી. જાકે તે સમયે આ મુદ્દો શાંત પડી ગયો હતો અને સામાન્ય ઝઘડો કરી બંને પિતા-પુત્ર વિખૂટાં પડી પોત પોતાના કામે લાગ્યા હતા. પરંતુ બાદમાં પિતાએ લોહિયાળ ખેલનું કાવતરૂ રચી પુત્રને મોતને ઘાટ ઉતારી દધો છે.
ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈ ગયેલા પિતા રમેશ માલીવાડને લાકડી મારતા આવેશમાં આવેલા પિતાએ તે સમયે નહીં, પરંતુ જ્યારે પુત્ર પોતાના ઘોરનિંદ્રામાં ખાટલામાં સુઈ ગયો હતો, તે સમયે ઘરમાં પડેલી કુહાડી ઉઠાવી ખાટલામાં ઉંઘતા પુત્રના માથા અને મોઢાના તેમજ છાતીના ભાગે એકાએક જીવલણ ઘા ઝીંકી દીધા હતા. આ ઘાતકી હુમલાના કારણે અરવિંદનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
ઘટના સમયે અરવિંદની બૂમાબૂણ અને મચરચીસો સાંભળી આજુબાજુના સ્થાનિક તેમજ પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં સમગ્ર મામલે મૃતકની બહેન સુમિત્રાબેન સમગ્ર મામલે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોતાના પિતા સામે જ ગુનો નોંધાવ્યો છે. ત્યારે પોલીસે પિતા રમેશભાઈની અટકાયત કરી તેમની સામે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આમ અહીં બે સંબંધો લોહિયાળ બન્યા છે. અહીં પુત્રનું મોત થયું છે અને તેની સામે બહેને જે ફરિયાદ નોંધાવતા પિતા જેલમાં ગયા છે. ત્યારે માત્ર નજીવી તકરાર અને સામાન્ય ગુસ્સો કયા હદ સુધી સંબંધોને લઈ જાય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે.





































