લીલીયાના આંબા-જીરા વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. નદીના પટમાંથી મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદે રેતી ચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર અચાનક દરોડા પાડીને ખાણ-ખનીજ વિભાગની ટીમે રેતી ચોરીમાં સંડોવાયેલા ૩ ડમ્પર અને ૨ ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. જોકે, આ તમામ વાહનો ખાલી હાલતમાં મળી આવ્યા હતા. વિભાગ દ્વારા આશરે રૂ.૩૧ લાખની કિંમતનો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ સામે કડક વલણ અપનાવતા ખાણ-ખનીજ વિભાગે ઝડપાયેલા તમામ વાહનો પોતાના કબજામાં લીધા છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વાહનો પોલીસને સોંપી દીધા છે.








































