પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાની ત્વરિત પહેલથી સાવરકુંડલા તાલુકાના નાના ભમોદરા ગામે કુંભારિયા નદીના પુલના ગાળામાંથી કચરો અને ઓવાળ દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે કુંભારિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂર દરમિયાન નદીના પુલના ગાળામાં મોટા પ્રમાણમાં કચરો અને ઓવાળ ભરાઈ જતાં પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાયો હતો. પરિણામે, પૂરના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં હતાં અને અનેક ખેડૂતોની કિંમતી જમીનોનું મોટા પાયે ધોવાણ થયું હતું. ખેડૂતોની આ ગંભીર મુશ્કેલી અને રજૂઆતોને ધ્યાને રાખી પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ તાત્કાલિક પ્રભાવિત સ્થળની મુલાકાત લીધી હતી.તેમણે માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર પડશાલા, અતુલભાઈ રાદડિયા તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જેસીબી મશીન વડે પુલની સફાઈ કામગીરી શરૂ કરાવી હતી. પુલ સાફ થતાં હવે આગામી સમયમાં ખેતરો ધોવાવાની ભીતિ ટળી છે.