હિંસામાં સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું, જેમાં અંદાજે ૩ લાખનું નુકસાન થયું હતું

કેરળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈડી ટીમે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના ભાડાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. રાજ્ય પોલીસ વડા રવાડા એ. ચંદ્રશેખરે ગુરુવારે જણાવ્યું હતું કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને અન્ય ઘણા આરોપીઓની ઓળખ કરવામાં આવી છે.
પોલીસ વડાએ જણાવ્યું કે તેમણે ગૃહમંત્રી રમેશ ચેન્નીથલા સાથે મુલાકાત કરી અને ઘટના અંગે ચર્ચા કરી. ગૃહમંત્રીએ ગુનેગારો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. ચંદ્રશેખરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા અન્ય લોકોની ઓળખ થઈ ગઈ છે. તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. પોલીસ વડાના જણાવ્યા મુજબ, ઈડીની કાર્યવાહી પહેલા તેમને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે દરોડા શરૂ થયા પછી પોલીસને માહિતી મળી હતી, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં આશરે ૩૦૦ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની અનેક ગંભીર કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં ગેરકાયદેસર સભા, રમખાણો, જાહેર સમારોહમાં અવરોધ, હુમલો અને હત્યાનો પ્રયાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધિત કાયદાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
મ્યુઝિયમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ટોળાના કેટલાક સભ્યોએ ઈડી અધિકારીઓની ટીમ પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. એક અધિકારીને હાથમાં ઈજા થઈ હતી, જ્યારે એક ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષા માટે તૈનાત સીઆરપીએફ અને પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ સ્પષ્ટ છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડ થવાની અપેક્ષા છે. હિંસામાં સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું, જેમાં અંદાજે ૩ લાખનું નુકસાન થયું હતું.
ઈડીની કાર્યવાહી ઝ્રસ્ઇન્ મની લોન્ડરિંગ કેસ સાથે જાડાયેલી હોવાનું કહેવાય છે, જેમાં પિનરાઈ વિજયનની પુત્રી વીણા ટી. અને રેતી ખાણકામ કંપની વચ્ચેના નાણાકીય વ્યવહારોની તપાસનો સમાવેશ થાય છે. બુધવારે, ઈડીએ કેરળમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પિનરાઈ વિજયનના ભાડાના રહેઠાણ અને તેમના પરિવારના ઘરનો સમાવેશ થાય છે.