વૈશ્વીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વહીવટી ખર્ચમાં બચત અને કરકસરના વ્યાપક પગલાં લીધાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ૧૯ મેના રોજ જારી કરવામાં આવેલા પરિપત્રને અનુલક્ષીને તમામ વિભાગોએ ૧૧ મુદ્દાઓની વિગતવાર એસઓપી તૈયાર કરીને અમલીકરણ શરૂ કર્યું છે. મંત્રીપરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને તેમના વિભાગોમાં આ એસઓપી તૈયાર કરીને તેનો ચુસ્ત અને કડક અમલ કરવા સૂચના આપી હતી. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય છે પર્યાવરણ જાળવણી, ઈંધણની બચત અને વહીવટી ખર્ચમાં ઘટાડો.અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય ત્યાં સુધી ખાનગી વાહનોના બદલે એસટી બસ, રેલ્વે અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા અને રાજ્યકક્ષાના અધિકારીઓ વચ્ચે બેઠકો શક્ય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવી. ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ સહિત તમામ સરકારી અને અર્ધસરકારી કાર્યાલયોમાં આનો અમલ કરવાનો છે.અનિવાર્ય સંજાગો સિવાય વિદેશમાં કે રાજ્ય/જિલ્લાની બહાર યોજાતી તાલિમ, પરિસંવાદ, સેમિનાર અથવા અભ્યાસ પ્રવાસોમાં ભાગ લેવાનું ટાળવું. મુસાફરીને ન્યૂનતમ સ્તરે લાવવી.કોઈપણ ખાતાના વડા પાસે જો જિલ્લા કચેરી સિવાય વધારાના ચાર્જ હોય તો માત્ર મુખ્ય વાહન જ રાખવું. વધારાના વાહનોને વાહન પૂલમાં જમા કરાવવા.

તમામ વિભાગોએ પોતાની કાર્યશૈલી અનુસાર વધારાના કરકસરના પગલાં નક્કી કર્યા છે, જેમાં વીજળી, કાગળ, પાણી અને અન્ય સંસાધનોની બચતના મુદ્દાઓ પણ સામેલ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈંધણ બચત અને કરકસરના અહેવાલને અનુરૂપ ગુજરાત સરકારે આ પહેલ કરી છે. સરકારી સૂત્રો અનુસાર, આ પગલાંથી વહીવટી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સરકારી કાર્યપ્રણાલી વધુ કાર્યક્ષમ બનશે.સ્થાનિક ગુજરાત સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, “કરકસર એ માત્ર એક અસ્થાયી પગલું નથી, પરંતુ સરકારી વહીવટની સંસ્કૃતિ બનવી જોઈએ.” આ એસઓપીનો અમલ તમામ સરકારી-અર્ધસરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે લાગુ પડશે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અનિવાર્ય કાર્યોમાં છૂટ આપવામાં આવશે, પરંતુ તેનો દુરુપયોગ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.