કોડીનાર તાલુકાના છાછર અને શુગાલા ગામ વચ્ચે આવેલા શિંગોડા ડેમના દરવાજા પાસે એક મહાકાય મગર પાણીમાં તરતો દેખાયો છે. સ્થાનિક ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. તાજેતરમાં જ ગીર ગઢડાના હરમડીયા નજીક આવેલી સાંગાવાડી નદીમાં મગરે એક બાળકનો શિકાર કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ડેમના દરવાજા નજીક હવે રોજિંદા ધોરણે મગરો જોવા મળી રહ્યા છે. હાલ ઉનાળાની સિઝન હોવાથી ગ્રામીણ વિસ્તારોના લોકો અને બાળકો નદી કે ડેમના પાણીમાં નાહવા જતા હોય છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા મગર પ્રભાવિત નદી તેમજ ડેમ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ‘ચેતવણી દર્શક બોડ’ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. સ્થાનિક તંત્ર આ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં હજુ સુધી સુરક્ષાના કોઈ પગલાં ન લેવાયા હોવાથી લોકોમાં વ્યાપક કચવાટ છે.










































