ટી ૨૦ ફ્રેન્ચાઇઝ લીગ વિશ્વભરમાં વિસ્તરી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભવિષ્ય વિશે ચર્ચાઓ શરૂ થઈ રહી છે. ખેલાડીઓ માટે લાખો ડોલરની આવક ઉત્પન્ન કરતી આ લીગ સતત વધી રહી છે, અને ઘણા સ્ટાર ક્રિકેટરો રાષ્ટ્રીય ટીમો કરતાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વધતી ચિંતા વચ્ચે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટું પગલું ભર્યું છે અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કેવી રીતે સંતુલિત કરવું તેની તપાસ કરવા માટે એક ખાસ સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે.
વિશ્વભરમાં ટી ૨૦ ફ્રેન્ચાઇઝ લીગની ઝડપથી વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આઇસીસી બોર્ડે એક સમર્પિત સમિતિની રચનાને મંજૂરી આપી છે. સમિતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફ્રેન્ચાઇઝ ક્રિકેટને હાલના માળખા પર નકારાત્મક અસર કર્યા વિના વર્તમાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર સાથે કેવી રીતે એકીકૃત કરી શકાય તે શોધવાનો રહેશે.આઇસીસીના જણાવ્યા અનુસાર, સભ્ય ક્રિકેટ બોર્ડ ચિંતિત છે કે સ્થાનિક ટી ૨૦ લીગના વિસ્તરણથી દ્વિપક્ષીય શ્રેણી અને આઇસીસીના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ પર દબાણ વધી રહ્યું છે.આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડે ફ્રેન્ચાઇઝ ક્રિકેટના વધતા વિસ્તરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હાલના માળખામાં આંતરરાષ્ટ્રીય કેલેન્ડર સાથે ફ્રેન્ચાઇઝ ક્રિકેટની સુસંગતતાનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટનો ઝડપથી વિકાસ થયો છે. ઇન્ડીયન પ્રીમિયર લીગ ઉપરાંત,એસએ ૨૦, ઇન્ટરનેશનલ લીગ ટી ૨૦, બિગ બેશ લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, લંકા પ્રીમિયર લીગ, ધ હન્ડ્રેડ અને કેરેબિયન પ્રીમિયર લીગ જેવી લીગ પહેલાથી જ ક્રિકેટ કેલેન્ડરના નોંધપાત્ર ભાગ પર કબજા કરે છે. વધુમાં, યુરોપિયન ટી ૨૦ પ્રીમિયર લીગ પણ આ વર્ષે શરૂ થવાની તૈયારીમાં છે, જે શેડ્યૂલને વધુ વ્યસ્ત બનાવે છે.આઇસીસી લાંબા સમયથી ખેલાડીઓની ઉપલબ્ધતા, રાષ્ટ્રીય ટીમની પ્રતિબદ્ધતાઓ અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટની વ્યાપારી સફળતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ, વિવિધ આઇસીસી સમિતિઓએ એક સિઝનમાં એક ખેલાડી રમી શકે તેવી ફ્રેન્ચાઇઝ લીગ મેચોની સંખ્યા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્્યો છે, જેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટોચની પ્રાથમિકતા રહે. આ ચિંતા ખાસ કરીને નાના ક્રિકેટ રમતા દેશો માટે તીવ્ર છે, જ્યાં ખેલાડીઓ હવે ફ્રેન્ચાઇઝ ક્રિકેટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં વધુ નફાકારક અને ટકાઉ કારકિર્દી વિકલ્પ તરીકે જાઈ રહ્યા છે.
તાજેતરના વર્ષોમાં, ઘણા અગ્રણી ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આમાં નિકોલસ પૂરન અને હેનરિક ક્લાસેન જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. પૂરને ૩૦ વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેવી જ રીતે, સુનીલ નારાયણે પણ ઘણા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તે ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં સક્રિય રહે છે.














































