લીલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે પોલીસની મધ્યસ્થતાથી આશરે સાત દાયકા જૂનો જમીન વિવાદ કાયમી ધોરણે ઉકેલાયો છે. ગામના હિતેશભાઈ વિરડીયાએ સંયુક્ત ખાતાની આશરે ૭૨ વીઘા ખેતીની જમીનના ભાગ પાડવા બાબતે લીલીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ કૌટુંબિક વિવાદ છેલ્લા ૭૦ વર્ષથી ચાલતો હોવાથી પરિવારમાં અશાંતિનું વાતાવરણ હતું. આ સંવેદનશીલ મામલો સામે આવતા પી.આઈ. એમ.ડી. સાળુંકેએ કાયદાકીય ગૂંચવણો વગર સુમેળભર્યું વાતાવરણ બનાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે સામા પક્ષના હસમુખભાઈ વિરડીયાને બોલાવી, બંને પક્ષોને સામસામે બેસાડીને સકારાત્મક કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસની સમજાવટથી બંને પક્ષો પરસ્પર સંમતિથી સુખદ સમાધાન માટે તૈયાર થયા હતા અને વર્ષો જૂનો વિવાદ ક્ષણભરમાં શમી ગયો હતો. બંને પક્ષોએ લીલીયા પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.