૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી હાલમાં ક્રિકેટ જગતમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. નાની ઉંમરે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને પ્રભાવિત કરનાર, વૈભવ હવે તેના પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે, આ યુવા ખેલાડીને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેના પરિવારનો પણ ટેકો મળશે, કારણ કે બીસીસીઆઇએ તેના માતાપિતાને સાથે મોકલવાનો નિર્ણય લીધો છે.
આ વૈભવ સૂર્યવંશીનો પ્રથમ સિનિયર ભારતીય ટીમનો પ્રવાસ હશે, અને બોર્ડ ઇચ્છતું નથી કે તે આટલી નાની ઉંમરે એકલતા અનુભવે. તેથી, બીસીસીઆઇએ તેના માતાપિતાને પ્રવાસમાં તેની સાથે જવાની મંજૂરી આપી છે. બોર્ડ વૈભવના પરિવાર માટે તમામ મુસાફરી અને રહેવાનો ખર્ચ પણ ઉઠાવશે.
બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પોર્ટસ્ટારને જણાવ્યું હતું કે વૈભવ હજુ બાળક છે, તેથી અમે તેના માતાપિતાને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેની સાથે જવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ તેની સાથે રહી શકે અને તેને નવા વાતાવરણમાં સમાયોજિત કરવામાં મદદ કરી શકે. બોર્ડ તેમના તમામ ખર્ચાઓનો સામનો કરશે. વૈભવ હાલમાં ભારત છ ટીમ સાથે શ્રીલંકામાં છે, ત્રિકોણીય શ્રેણીમાં રમી રહ્યો છે.આઇપીએલ ૨૦૨૬ માં તેના પ્રભાવશાળી પ્રદર્શન પછી વૈભવની લોકપ્રિયતા સતત વધી રહી છે. આવી સ્થીતિમાં, બોર્ડને લાગ્યું કે પરિવારનો ટેકો આ યુવાન ખેલાડી માટે માનસિક રીતે ખૂબ મદદરૂપ થશે.
તમને જાણીને નવાઈ લાગશે કે ૧૯૮૯માં, જ્યારે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે માત્ર ૧૬ વર્ષની ઉંમરે પાકિસ્તાનના પ્રવાસ પર ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેમના મોટા ભાઈ અજિત તેંડુલકર તેમની સાથે હતા. હવે, લગભગ ૩૭ વર્ષ પછી, વૈભવ સૂર્યવંશી પણ એ જ રીતે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય સફર શરૂ કરવા જઈ રહ્યા છે. વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી બનવા જઈ રહ્યો છે. હાલમાં, આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને ભારતીય ટીમ માટે ૧૬ વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. હવે, આટલા વર્ષો પછી, મહાન સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તૂટવાનો છે.













































