બગસરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. નગરપાલિકામાં ભાજપે કોઈ પણ મોટા ગજાના નેતાઓને ટિકિટ ન આપી હોવા છતાં ૨૨ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૬ બેઠકો પર સમેટાઈ ગઈ છે. જોકે, સાચી ઉથલપાથલ તાલુકા અને જિલ્લા પંચાયતમાં જોવા મળી છે. તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ ૧૦ બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવીને સત્તા કબજે કરી છે, જ્યારે ભાજપ માંડ ૬ બેઠકો મેળવી શકી છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ પ્રત્યેનો અસંતોષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેના કારણે જિલ્લા પંચાયતની બે બેઠકોમાંથી એક બેઠક પણ ‘આપ’ના ફાળે ગઈ છે. ભાજપના આંતરિક વિરોધ અને ટિકિટ વિતરણના વિવાદો છતાં શહેરમાં તેમનો દબદબો રહ્યો, પરંતુ ગામડાઓમાં વિસાવદર જેવી સ્થિતિ સર્જાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.