અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી,ધારાસભ્યો મહેશભાઈ કસવાળા,હીરાભાઈ સોલંકી,જનકભાઈ તળાવીય,
જે.વી.કાકડીયાના સચોટ પ્રયાસો અને કુનેહપૂર્વકની રણનીતિની સાથે જીલ્લા ભાજપની સમગ્ર ટીમની મહેનતનાં કારણે સમગ્ર જિલ્લામાં કેસરીયો લહેરાયો છે. આ વખતની ચૂંટણીમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ મજબૂતીથી ઝંપલાવ્યું હતું, જેના કારણે સ્પર્ધા ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ હતી. ચૂંટણી પૂર્વે એવી અફવાઓ અને અટકળો વહેતી થઈ હતી કે ‘આપ’ની એન્ટ્રીથી ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ આ પડકારને સમજીને સમગ્ર જિલ્લામાં ઝીણવટભર્યું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના તમામ ઉમેદવારો સાથે સીધો સંવાદ સાધીને તેમનો જુસ્સો સતત જાળવી રાખ્યો હતો. મંત્રીની કાર્યશૈલી અને જીલ્લા સંગઠન શક્તિ પર વિશ્વાસ મૂકીને મતદારોએ ભાજપની તરફેણમાં જંગી મતદાન કર્યું હતું. પરિણામે, વિરોધ પક્ષોના તમામ ગણિતો ઊંધા પડ્‌યા અને ભાજપે જિલ્લાની તમામ સ્થાનિક સંસ્થાઓ પર પોતાનો કબજો જમાવ્યો હતો. કાર્યકરો પ્રત્યેના માર્ગદર્શનને કારણે જ આજે અમરેલી જિલ્લો ભાજપનો ગઢ સાબિત થયો છે અને લોકોએ વિકાસના રાજકારણ પર મહોર મારી છે.