હવે ગુજરાતમાં ઉનાળો પોતાનું અસલી રૂપ બતાવી રહ્યો છે. રાજ્ય સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેના કારણે લોકો ગરમીથી પરેશાન થયા છે. હાલમાં સખત તડકાને કારણે ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આવા સમયે લોકો તાપમાન ઘટવાની રાહ જાઈ રહ્યા છે. આ દરમિયાન નૈઋત્યના ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા વહેલું પહોંચવાનું છે. એટલે કે સામાન્ય રીતે અન્ય વર્ષોની સરખામણીએ આ વખતે ચોમાસાનો વરસાદ વહેલો શરૂ થઈ જશે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના નવા ડેટા અનુસાર, મેના અંત સુધીમાં ચોમાસું દક્ષિણ ભારત પહોંચવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું ભારતમાં સૌથી પહેલા કેરળમાં દસ્તક આપે છે અને ત્યારબાદ તે અન્ય રાજ્યો તરફ ઉપરની તરફ વધે છે. સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ૧૮-૨૫ મે વચ્ચે ગમે ત્યારે પહોંચી શકે છે. કેરળમાં પણ ચોમાસું ૨૫ મેની આસપાસ દસ્તક આપી શકે છે.
હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે, આ વખતે વહેલા ચોમાસા પાછળનું કારણ અલ નીનો છે. અલ નીનોની સ્થિતિ બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાઈપોલને કારણે પણ વરસાદ વહેલો થવાની અને ચોમાસું વહેલું બેસવાની શક્યતા છે. જા કે, આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે કહ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે, જે ત્રણ વર્ષમાં પ્રથમ વખત બનશે.
બીજીતરફ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે કે, ગરમીની વચ્ચે જ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૮ એપ્રિલથી મે મહિનાની શરૂઆત સુધીમાં પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટી શરૂ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. એપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં પણ વરસાદી ઝાપટાંની સાથે કરા પડવાની શક્યતા છે. ખાસ કરીને મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદી માહોલ સર્જાઈ શકે છે. વરસાદી આગાહીની સાથે જ અંબાલાલ પટેલે આકરી ગરમીનો સંકેત પણ આપ્યો છે.
અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી છે કે, ગુજરાતમાં જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે. ૮થી ૧૫ જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન થશે. જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧ જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં ૧૫ થી ૨૦ જૂન વચ્ચે દસ્તક દેશે.








































