પશ્ચિમ બંગાળમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં થઈ રહેલા મતદાન અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઘણા મતદાન મથકો પર, ભાજપને મત આપવાનો વિકલ્પ (બટન) ઈવીએમ પર ટેપથી ઢંકાયેલો હતો, જેના કારણે મતદારોને તેમના પસંદગીના ઉમેદવાર અને પક્ષ માટે મતદાન કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
અમિત માલવિયાએ આ ઘટનાના ત્રણ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જહાંગીર બંગાળના ડાયમંડ હાર્બરમાં ફાલ્ટા વિધાનસભા બેઠક પરથી ટીએમસી ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારના ઘણા બૂથોમાં આ મુદ્દો નોંધવામાં આવ્યો છે.
ભાજપ નેતા માલવિયા દ્વારા ઉલ્લેખિત બૂથોમાં ફાલ્ટા ૧૪૪, ભાગ ૧૭૦, રૂમ નંબર ૨ અને હરિંદંગા હાઇ સ્કૂલ બૂથનો સમાવેશ થાય છે. બૂથ નંબર ૧૮૯ પણ આવી જ રીતે પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું છે. અમિત માલવિયાના આરોપો પર રાજ્ય સરકાર કે ચૂંટણી પંચ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.










































