બજરંગ દળના સ્થાપક અને ભાજપ નેતા વિનય કટિયારે અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાનમાં થયેલી અનિયમિતતાઓ પર મોટું નિવેદન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવેલા પ્રસાદની ચોરીના સંદર્ભમાં વિનય કટિયારે જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય, પ્રશાસક ગોપાલ રાવ અને ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા સહિત ત્રણેયને આગામી દિવસોમાં જેલની સજા થઈ શકે છે.
વિનય કટિયારે કહ્યું, “એ સ્પષ્ટ છે કે પૈસાની ઉચાપત થઈ છે. મેં આ કેસ વિશે પીએમ મોદી સાથે વાત કરી હતી, અને તેમણે પૂછ્યું હતું કે ભવિષ્યમાં શું થશે. મેં તેમને કહ્યું હતું કે બધું સારું થઈ જશે. પરંતુ શક્્ય છે કે ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા આગામી દિવસોમાં જેલમાં જઈ શકે છે.”
ભાજપ નેતા વિનય કટિયારે કહ્યું હતું કે અમે તે સ્થાન માટે બલિદાન આપ્યું છે. અમારા ૭-૮ લોકો ત્યાં શહીદ થયા હતા. તેમણે વધુમાં કહ્યું કે કલ્યાણ સિંહે એકવાર મને પૂછ્યું હતું, “તમે શું કરી રહ્યા છો?” મેં જવાબ આપ્યો, “કંઈ થઈ રહ્યું નથી; ગમે તે થાય, ભગવાન તેનું ધ્યાન રાખશે.” કલ્યાણ સિંહ ખૂબ જ સારા શાસક અને પ્રશાસક હતા.
વિનય કટિયારે કહ્યું, “શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે આપવામાં આવેલા દાનની કથિત ઉચાપતની તપાસ કરી રહેલી એસઆઇટી ટીમે તેની સમયમર્યાદા ૧૫ દિવસ લંબાવી છે. આજે તપાસનો બીજા દિવસ છે.”
નોંધનીય છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને તેની તપાસ પૂર્ણ કરવા માટે વધુ ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ મુદત એટલા માટે આપવામાં આવી છે કે એસઆઇટી તેની તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરી શકે અને કેસના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરી શકે. તપાસનો વધુ વિસ્તાર કરવામાં આવશે જેથી દરેક પાસાની સંપૂર્ણ તપાસ થઈ શકે અને કોઈ ગુનેગાર છટકી ન શકે.
દરમિયાન, યુપી પોલીસે આજે (શુક્રવારે) રામ મંદિર માટે દાનની કથિત ઉચાપતની તપાસ વધુ તીવ્ર બનાવી છે. હાલમાં, આરોપી અવિનાશ શુક્લાની અયોધ્યામાં એસઓજી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.









































